લિવર (યકૃત) શરીરનું સૌથી મોટું અંગ છે. અંદાજે 1.2થી 1.5 કિ.ગ્રા વજન ધરાવતું આ અંગ પેટમાં જમણી બાજુએ પાંસળીના પાંજરાની નીચે આવેલું હોય છે. લિવર શરીરનાં મહત્વપૂર્ણ કાર્યો જેવા કે પાચક રસ બનાવવો, ખોરાકને ઊર્જામાં તબદીલ કરવો, પ્રોટીન બનાવવું, રોગ પ્રતિકારક તત્વો બનાવવા અને શરીરમાંથી નુક્શાનકારક તત્વોને દૂર કરે છે. ડાયાબિટીસ અને લાઈફ સ્ટાઈલમાં થઈ રહેલા ઝડપી બદલાવના કારણે ફેટી લિવરના દર્દીઓનું પ્રમાણ પણ ઝડપથી વધી રહ્યું છે લિવરના રોગો, લક્ષણો અને સારવાર હિપેટાઈટીસ, ફેટી લિવર (લિવરમાં ચરબીનો જમાવ) અને સિરોસિસ આ ત્રણ લિવરના મહત્વના અને સામાન્ય રોગો છે. હિપેટાઈટીસ (પીડીઓ) આ રોગ મુખ્યત્વે બે પ્રકારના હોય છે Acute અને Chronic. એક્યુટ હિપેટાઈટીસ ઘણાં કારણોથી થઈ શકે છે જેમ કે વાઈરસ, બેક્ટેરીયા, કેટલીક દવાઓથી. આ રોગ સામાન્ય રીતે વાઈરસ A,B,C,D,Eથી થાય છે. હિપેટાઈટીસ B અને C (ઈન્ફેક્ટેડ) ચેપી લોહીના સંપર્કથી તથા ગર્ભવતી મતાથી તેના બાળકમાં લાગી શકે છે. આ રોગના લક્ષણો ભૂખ ન લાગવી, ઉબકા અથવા ઉલટી થવી, રમળો – જેમાં આંખ અને ત્વચા પીળી થઈ જવી, ખંજવાળ આવવી હોય છે. મોટાભાગના દર્દીઓમાં હિપેટાઈટીસ A અને E એક થી ત્રણ મહિનામાં મટી જતો હોય છે. કેટલાંક દર્દીઓમાં હિપેટાઈટીસ છ મહિનાથી વધુ ચાલે છે તેને chronic હિપેટાઈટીસ કહેવાય જેમાં હિપેટાઈટીસ B,C અને ઓટોઈમ્યુન હિપાઈટીસનો સમાવેશ થાય છે. આ રોગો લોહીના પરિક્ષણથી નિદાન કરી શકાય છે અને ઓટોઈમ્યુન અને હિપેટાઈટીસ B અને C માટે દવાઓ ઉપલબ્ધ છે જે આ રોગને મટાડવા કે કાબૂમાં રાખવા માટે સક્ષમ છે. ફેટી લિવર ડાયાબિટીસ અને લાઈફ સ્ટાઈલમાં થઈ રહેલા ઝડપી બદવાવના કારણે ફેટી લિવરના દર્દીઓનું પ્રમાણ પણ ઝડપથી વધી રહ્યું છે. આ રોગનું નિદાન પેટની સોનોગ્રાફી તથા લોહીના પરિક્ષણથી થાય છે. ફેટી લિવર અને નોન આલ્કોહોલિક સ્ટેટોહિપેટાઈટીસ (NASH)નું નિદાન અને સારવાર યોગ્ય સમયે ન લેવામાં આવે તો તે લાંબા ગાળે સિરોસિસ તથા થોડા દર્દીઓમાં લિવર કેન્સર પણ કરી શકે છે. આધુનિક સાધનો જેવા કે ફાઈબ્રોસ્કેન મશીન લિવરની સ્ટીફનેસ માપી યોગ્ય નિદાન અને સારવારમાં મદદરૂપ થાય છે. સિરોસીસ સિરોસીસ એ લાંબા સમય સુધી લિવરના રોગોના કારણે થાય છે જેમાં નરમ સ્વસ્થ કોષોનું સ્થાન સખત ચાઠાવાળા કોષ લે છે તેથી લિવર તેનું કામ કરવા સક્ષમ રહેતું નથી. સતત દારૂનું સેવન, નોન આલ્કોહોલિક સ્ટેટોહિપેટાઈટીસ, ક્રોનિક વાયરલ હિપેટાઈટીસ B અને C, ઓટોઈમ્યુન હિપેટાઈટીસ, પિત્તની નળીના રોગ અને જનીન સંબંધિત રોગો તેના મુખ્ય કારણો છે. આ રોગના મુખ્ય સામાન્ય લક્ષણો થાક લાગવો, ભૂખ ન લાગવી, વજન ઘટવું, કમળો થી માંડી ગંભીર જેવા કે પેટમાં પાણી ભરાવું, પગે સોજા આવવા તથા લોહીની ઉલ્ટી કે બેભાન થઈ જવું જેવા હોય છે.આ રોગનું નિદાન લક્ષણો, લોહીની તપાસ, ઈમેજિંગ ટેસ્ટ અને એન્ડોસ્કોપી તથા કેટલાંક દર્દીઓમાં લિવરની બાયોપ્સીથી થાય છે.સિરોસીસની સારવાર અને તેના કારણો તથા લિવરને થયેલા નુક્સાન પર આધારિત હોય છે. સારવારનો હેતુ લિવરને વધુ નુક્સાન થતું રોકવાનો તથા તકલીફો ઓછી કરવાનો હોય છે. લિવર પ્રત્યાર્પણ કરવું એ ઉત્તમ સારવાર વિકલ્પ રહેશે કે કેમ એ ડોક્ટર જ નક્કી કરે છે. લેખક :ડો અપૂર્વ શાહ, ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ સ્ત્રોત: નવગુજરાત સમય