મુખ્યત્વે જોવા મળતા ડાયાબિટીસ અંગે ઘણીબધી માન્યતાઓ જોવા મળે છે. લોકો વિજ્ઞાનને અવગણીને એની ખોટી અને મિથ્યા વાતોને વળગી રહીને પોતાનું નુકસાન જાતે જ કરે છે. ડાયાબિટીસ અંગે કેટલીક ખોટી માન્યતાઓ લોકોમાં પ્રવર્તે છે જેમ કે, કડવાશવાળા પદાર્થ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય છે અને દવાઓ લેવી પડતી નથી. ડાયાબિટીસ સ્વાદુપિંડ બરાબર કામ ન કરવાના લીધે થતો રોગ છે, જેમાં ઈન્સ્યુલિન બરાબર કામ કરતું નથી અને તેની માત્રા ઘટી જાય છે. ઘણા પદાર્થો ઈન્સ્યુલિનની સેન્સિટીવિટી સુધારે છે પરંતુ એ પૂરતું હોતું નથી. ભાત (ચોખા) અને બટાકા ન જ ખાવા જોઈએ, આ માન્યતા પણ ખોટી છે. ભાત અને બટાકા કાર્બોદિત પદાર્થ છે. જે વધારે માત્રામાં ખવાય તો જ તેમાંથી સુગરનું પ્રમાણ શરીરમાં વધે છે, માટે નિયમિત માત્રામાં ખાવાથી વાંધો આવતો નથી. દરેક અનાજમાંથી 50-70% માત્રામાં શરીરમાં સુગર બને છે. ડાયાબિટીસની દવાઓથી લિવર, કિડની ખરાબ થઈ જાય છે એ માન્યતા તદન ખોટી છે, ડાયાબિટીસની દવાઓ લિવર અને કિડનીને નુકસાન પહોંચાડતી નથી. ડાયાબિટીસ પોતે જ કિડનીના રોગનો ફેલાવો કરે છે અને લિવરને નુકસાન પહોંચાડે છે. જો ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવામાં આવે તો આ પ્રકારનું નુકસાન અટકાવી શકાય છે. ડાયાબિટીસ મટી જાય છે અને ફરીથી થતો નથી જેવી માન્યતા પણ ખોટી છે. ડાયાબિટીસ મટાડી શકાતો નથી તેને સારી રીતે કંટ્રોલમાં રાખી શકાય છે. શરૂઆતમાં સારી સારવારથી એની દવાઓની માત્રામાં ઘણો ઘટાડો થઈ શકે છે, પરંતુ જો ધ્યાન રાખવામાં ન આવે તો ડાયાબિટીસ વધી શકે છે. ડાયાબિટીસમાં રેગ્યુલર વ્યાયામ પણ ખૂબ જરૂરી પાસુ છે. ડાયાબિટીસની ટ્રીટમેન્ટના ત્રણ પાયા જરૂરી છે. ડાયેટ કંટ્રોલ વ્યાયામ દવાઓ. નિયમિત 30થી 45 મિનિટ ચાલવું ડાયાબિટીસના દર્દીઓ માટે સલાહભર્યું છે, પરંતુ વ્યાયામ કરતાં પહેલા હૃદયનું ચેક-અપ કરાવવું પણ ખૂબ જ જરૂરી છે કારણ કે ડાયાબિટીસમાં હૃદય રોગ મુખ્યત્વે સાયલેન્ટ (શાંત) આવતો પણ જોવા મળે છે. વ્યાયામ કરતાં પહેલાં આપના ડોક્ટરની સંપૂર્ણ સલાહ લઈ તેને અનુસરો. જાતે વ્યાયામ કરો કે જીમમાં જઈને એ પહેલા તબીબી તપાસ કરાવી આપના હૃદયની કેપેસિટી કેટલી છે તે નક્કી કરો. સ્નાયુઓને મજબૂત કરવાની આઈસોમેટ્રીક કસરત ડાયાબિટીસમાં ઘણી ઉપયોગી છે. ડાયાબિટીસમાં કસરત કરવાથી ઈન્સ્યુલિનનું કામ સરળ બને છે, વજન નિયમિત રહે છે, કોલેસ્ટ્રોલના પ્રમાણમાં ઘટાડો થાય છે અને હૃદયને પણ ફાયદો થાય છે. ડાયેટ કંટ્રોલ (ખોરાક નિયંત્રણ)માં જોઈએ તો દરેક આહારમાંથી આપણા શરીરમાં 50-70 % ગ્લુકોઝ બને છે, જેથી કરીને સપ્રમાણસરનો ખોરાક ડાયાબિટીસ માટે બરાબર ગણી શકાય. ડાયબિટિસમાં ફ્રુટ ના ખવાય એ માન્યતા ખોટી છે. ફ્રુટ જ્યુસ ના લેવાય, તેના એક ગ્લાસમાં કેલેરીનું પ્રમાણ વધી જાય અને દર્દી જો ધ્યાન ન રાખે તો સુગરનું પ્રમાણ વધી શકે છે. લીલા શાકભાજી, ફળ લેવાથી શરીરને ગ્લુકોઝ કંટ્રોલમાં રાખવામાં સહાયતા મળી રહે છે. સ્ત્રોત: nfo@hcghospitals.in ઉપર સંપર્ક કરવો.