સુંદરતાને નિખારવા માટે હંમેશા બ્યૂટી પાર્લરની મોંઘી ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી નથી. તમે અનેક ઘરેલુ અને કુદરતી ઉપાયોથી પણ સુંદરતાને નિખારી શકો છો. આ માટેની કેટલીક બ્યૂટી ટિપ્સ અહીં જણાવી છે. બે ચમચી ગુલાબજળમાં એક ટીપું ગ્લિસરીન અને બે ટીપાં લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણને મોઈશ્ચરાઈઝરની જેમ ચહેરા પર લગાવો અને આખો દિવસ રહેવા દો. તેનાથી ત્વાચા પરના મૃત કોષો દૂર થશે અને ત્વચા મુલાયમ અને ચમકતી બનશે. શું તમે પફી આઈઝથી પરેશાન છો? આ રહ્યો તમારી સમસ્ચાનો હલ. પાકા કેળાંનો માવો કરી લો અને તેને હળવા હાથે પફી આઈઝની આસપાસ લગાવો. પંદર મિનિટ રહેવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ નાંખો. પફીનેસ તરત જ ગાયબ થઈ જશે. ચહેરા પર દાગધબ્બા કે બ્લેમિશિઝ થયા હોય તો તેને માટે એક સરસ ઉયાય છે. પાકા કેળાંના ટુકડાનો માવો કરી લો. તેમાં અડધી ચમચી લીંબુનો રસ અને એક ચમચી દહીં ઉમેરી બરાબર મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવી વીસ મિનિટ રહેવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. સપ્તાહમાં ત્રણ વાર આ રીતે નિયમિત કરવાથી ચહેરા પરના કાળા ડાઘ દૂર થશે અને ત્વચા કાંતિવાન બનશે. ત્વચા જો નિસ્તેજ થઈ ગઈ હોય તો તરબૂચના રસમાં અડધી ચમચી ગ્લિસરીન ભેળવીને ચહેરા પર મસાજ કરો. પાંચ મિનિટ પછી હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. સપ્તાહમાં બે દિવસ નિયમિત આ પ્રમાણે કરવાથી થોડા દિવસોંમાં જ ત્વચા ચમકતી અને કાંતિવાન બની જશે. સપ્તાહમાં એક વાર ત્વચાને સ્ક્રબથી એક્સફોલિએટ જરૂર કરો. તેના માટે એક ચમચી રવો, એક ચમચી ચણાનો લોટ, એક ચમચી જવનો લોટ અને એક ચમચી હળદર ભેળવીને એક ડબ્બામાં ભરી લો. સપ્તાહમાં એક વાર આમાંથી એક ચમચી મિશ્રણ લઈ તેમાં એક ચમચી ગુલાબજળ અને અડધી ચમચી ગ્લિસરીન ઉમેરી પેસ્ટ બનાવો અને હળવા હાથે ચહેરા પર રગડો. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાંખો. આમ કરવાથી ત્વચા પરના મૃત કોષો દૂર થશે અને ચહેરો કાંતિવાન બનશે. હળદરમાં થોડું કાચું દૂધ ઉમેરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો. આનાથી ત્વચાને ક્ષતિ પહોંચાડનાર ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ મળે છે. શિયાળામાં હળદરની સાથે મલાઈ ઉમેરીને પેસ્ટ બનાવો, તેને ચહેરા પર દસ મિનિટ લગાવી રાખો. પછી ધીરેથી ચહેરા પર હળવા હાથે મસાજ કરો અને હૂંકાળા પાણીથી ચહેરો સાફ કરી લો. તમારી ત્વચા મખમલ જેવી સુંવાળી અને ચમકતી બની જશે. સ્ત્રોત : નવગુજરાત સમય