સુંદર સ્ટ્રોંગ વાળ મેળવવાની ઇચ્છા દરેક વ્યક્તિને હોય છે, પરંતુ જો વાળ ખરવાના શરૂ થઇ જાય તો તેની ચિંતા સતત આપણને પરેશાન કરતી રહે છે. વાળને ખરતા રોકવા હોય તો પ્રાકૃતિક ઉપયોને અજમાવવા ખૂબ જ જરૂરી છે કારણ કે, આ ઉપચારના કોઇ સાઇડ ઇફેક્ટ્સ નથી હોતા. સાથે જ, તે એકદમ સસ્તા પણ હોય છે. જો તમારા પણ વાળ ઘણા લાંબા સમયથી ખરી રહ્યા છે અને માથાની ત્વચા સાફ દેખાય રહી છે, તો થોડું પણ મોડુ કર્યા વિના પ્રાકૃતિક સામગ્રીથી તૈયાર હેયર માસ્ક લગાવવાનું શરૂ કરી દેવું જોઇએ. વાળ જો ખરતાં હોય તો તેની તરફ તરત જ ધ્યાન દોરવું જોઇએ અને રસોડામાં રહેલી સામગ્રીઓનો પ્રયોગ પણ શરૂ કરી દેવો જોઇએ. ચાલો જાણીએ આવા જ પ્રાકૃતિક હેયર માસ્ક જેનો નિયમિત ઉપયોગ કરવાથી વાળને ખરતાં અટકાવી શકાય છે. ઇંડાનો માસ્કઃ- એક બાઉલમાં 1 ઇંડાને ફોડી લેવું તેમાં થોડું દૂધ, 2 ચમચી લીબુંનો રસ અને જૈતૂનનું તેલ મિક્સ કરી લેવું. ત્યાર પછી આ મિશ્રણને માથા પર લગાવીને થોડું મસાજ કરવું. ત્યાર પથી એક શાવર કેપથી પોતાના માથાને ઢાંકી લેવું અને 20 મિનિટ પછી વાળને ઠંડા પાણીથી ધોઇ લેવાં. કેળાનું માસ્કઃ- 2 પાકેલાં કેળા લેવાં, તેની સાથે 1 ચમચી જૈતૂનનું તેલ, નારિયેળનું તેલ અને મધ મિક્સ કરી લેવું. આ બધા જ મિશ્રણને એકમાત્રામાં ચમચીની મદદથી મિક્સ કરી લેવું. ત્યાર પછી આ મિશ્રણને તમારા હાથ વડે જ માથાના સ્કેલ્પમાં લગાવવું. હવે તેને 5 મિનિટ સુધી માથામાં તેને રહેવા દેવું ત્યાર પછી નવશેકા પાણીથી માથું ધોઇ લેવું. દહીંનું માસ્કઃ- આ માસ્કને બનાવવા માટે એક કપ દહીંની સાથે 1 ચમચી સફરજનનું વિનેગાર અને 1 ચમચી મધ લઇને મિશ્રણ તૈયાર કરી લેવું. ત્યાર પછી આ મિશ્રણને યોગ્ય માત્રામાં વાળની જડ સુધી લગાવવું. 15 મિનિટ તેને રહેવા દઇને ઠંડા પાણીથી વાળને સાફ કરી લેવાં સ્ટ્રોબેરી માસ્કઃ- થોડી સ્ટ્રોબેરીને નારિયેળ તેલ અને મધની સાથે મિક્સ કરી લેવી. આ પેસ્ટને વાળની જડથી લઇને વાળના અંતિમ ભાગ સુધી એકમાત્રામાં લગાવવું. ત્યાર પછી આ પેકને વાળમાં 20 મિનિટ રહેવા દઇ ઠંડા પાણીથી ધોઇ લેવું. લીમડાના પાન અને નારિયેળનો માસ્કઃ થોડા તાજા લીમડાના પાન લેવા, તેમાં થોડા ટીપા નારિયેળનું તેલ મિક્સ કરવું. હવે આ મિશ્રણને સરખી રીતે ઉકાળવું અને જે અર્ક બચી જાય તેનાથી વાળમાં મસાજ કરવું. ત્યાર પછી 20 મિનિટ પછી વાળને ધોઇ લેવાં. આ માસ્કનો સપ્તાહમાં બેવાર ઉપયોગ કરી શકો છો. ગ્રીન ટી માસ્કઃ- આ માસ્કને બનાવવા માટે એક ઇંડાનો પીળો ભાગ લેવો, તેમાં 2 ટી સ્પૂન ગ્રીન ટી ઉમેરવી. ધ્યાન રાખવું કે ગ્રીન ટી ઉકાળેલી હોવી જોઇએ. આ મિશ્રણને ત્યાં સુધી હલાવતા રહેવું જ્યાં સુધી તે ક્રીમી દેખાય ન આવે. હવે આ માસ્કને એક બ્રશની મદદથી વાળની જડમાં લગાવવું. ત્યાર પછી આ માસ્કને 20 મિનિટ સુધી વાળમાં લગાવી રાખીને ઠંડા પાણીથી ધોઇ લેવું.