શવાસન એટલે શ્રમ હરનારું આસન. શવાસનને મૃતાસનના નામે પણ ઓળખવામાં આવે છે. આ આસનની સ્થિતિ મડદા જેવી હોવાથી તેને સવાસન કહેવામાં આવે છે. સવાસનને મૃતાસન સિવાય વિશ્રામાસન, શિથિલાસન વગેરે જેવા નામોથી ઓળખવામાં આવે છે. મૂળ સ્થિતિ પીઠ ઉપર શાંતિથી ચત્તા સૂઈ જાઓ. પદ્ધતિ પીઠના આધારે ચત્તા સૂઈ જાઓ. બંને પગ વચ્ચે અડધા ફૂટ જેટલું અંતર રાખો. ત્યારબાદ બંને પગના અંગૂઠા એકબીજાને અડકાડો. ત્યાર પછી બે પગ વચ્ચે આશરે 30 થી 40 સેન્ટિમીટર જેટલી જગ્યા રાખીને બંને પગના પંજા ડાબી-જમણી તરફ બહારની દીશામાં ઢાળેલા રાખો. બંને હાથ બાજુએ અનૂકૂળતા મુજબ શરીરથી 10 થી 15 સેન્ટીમીટર દૂર રાખો. બંને હાથની હથેળીઓ આકાશ તરફ રાખીને મૂઠ્ઠી ખુલ્લી રાખો. ગરદન સીધી રાખી અને આંખો બંધ કરો. શ્વાસ ઊંડા અને ધીમે ધીમે લો અને બહાર કાઢો. શરીરના બધા જ સ્નાયુઓ, નાડીઓ અને અવયવો પરથી તાણ અને ખેચાંણ દૂર કરી, સમગ્ર શરીર ઢીલું કરી દો. કોઈ પણ અંગ સખત ન રહેવું જોઈએ. નબળા વિચારોને ત્યાગી શ્રેષ્ઠ વિચારો તરફ મનને લઈ જાઓ. મનને ધીરે ધીરે શાંત કરો. આરામ અને સંતોષનો અનુભવ થશે. આ આસન 2 મિનિટથી 10 મિનિટ કે તેથી વધારે સમય સુધી પણ કરી શકાય છે. ધ્યાનમાં રાખવાની બાબતો : શ્વાસોચ્છવાસનો મનથી અનુભવ કરવો. શવાસનમાં સૂવાનું નથી પણ અંદરથી જાગૃત રહેવાનું છે. શરીરમાં જરા પણ હલનચલન કરવું નહિ. આંખો બંધ રાખવી. સંપૂર્ણ સ્વછ અને અવાજ ન હોય તેવી જગ્યાએ શવાસન કરવું. જમ્યા પછી તરત જ શવાસન કરવું નહિ. ફાયદા : અસ્થમા, ડાયાબિટિસ, લોહીના દબાણવાળા, હદયરોગવાળા અને માનસિક રોગવાળા દર્દીઓ માટે ઉત્તમ આસન છે. જ્ઞાનતંતુઓનો તણાવ ઘટે છે. ઊંઘ સારી આવે છે. ક્રોધ શાંત થાય છે. સમગ્ર શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે, જેથી નવી શક્તિનો સંચાર થાય છે અને નવો ઉત્સાહ આવે છે. બધી નાડીઓ અને સ્નાયુઓની દુર્બળતા, થાક તેમજ નકારાત્મક વિચારો દૂર થાય છે અને શક્તિ વધે છે. શરીર, મન, મગજ અને આત્માને સંપૂર્ણ આરામ, શક્તિ, સ્ફૂર્તિ, તાજગી, શાંતિ અને ઉત્સાહ મળતાં શરીર નવજીવન પ્રાપ્ત કરે છે. શરીર અને મન સ્વસ્થ બનતાં દરેક પ્રકારનાં કાર્યો કરવાની ક્ષમતા વધે છે અને ચેતનાનો સંચાર થાય છે. દરેક આસનના અંતે શવાસનમાં મૃત શરીરની માફક શરીરને શાંત અને સ્થિર કરવાથી શરીરના દરેક અંગને આરામ મળે છે તેમજ આસન કરતાં પહેલાં શવાસન કરવાથી મન યોગાભ્યાસ માટે તૈયાર થાય છે. એકાગ્રતા, સાચી વિચારશક્તિ, યાદ શક્તિ, જ્ઞાનતંત્રની કાર્યક્ષમતા, શાંતિ વગેરેના માનસિક ફાયદાઓ થાય છે. જેથી વિદ્યાર્થીઓ માટે શવાસન ખૂબ જ ફાયદાકારક છે. સાચી રીતે ‘દસ’ મિનિટનું શવાસન થયા તો ‘છ’ કલાકની ઊંઘ જેટલો લાભ પ્રાપ્ત થાય છે. શવાસનથી ધ્યાનની સ્થિતિનો વિકાસ થાય છે. આંતરડાની ગતિ નિયમિત થતા ગૅસ અને મળઅવરોધ દૂર થાય છે.