પેટની આજુબાજુ જમાં થયેલી વધારાની ચરબી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. પેટની ચરબી ઘટાડવી એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યનું છે. ભૂનમન વજ્રાસન પેટની ચરબી ઘટાડવા માટેનું એક ઉત્તમ આસન છે. મૂળ સ્થિતિ : વજ્રાસનની સ્થિતિમાં બેસો. પદ્ધતિ : સૌ પ્રથમ વજ્રાસનની સ્થિતિમાં બેસો. બન્ને હાથની મુથ્ઠી બંધ કરી, નાભિની આજુબાજુમાં દ્રઢતાથી પેટ સાથે જોડીલી રાખો. કમરમાંથી સીધા થઈ ઊંડા શ્વાસ લઈ શ્વાસ છોડતાં છોડતાં આગળ તરફ નમો. કપાડ જમીનને અડે ત્યાં સુધી આગળ તરફ નમી જાઓ. બન્ને હાથ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે આગળની તરફ રાખવા. આ સ્થિતિમાં પગના સાથળ અને છાતીનો ભાગ એકબીજાને અડીલો રહેશે. ખભા ઢીલા છોડી શ્વાસોચ્છવાસ ઊંડાણપૂર્વક લો. યથાશક્તિ આ સ્થિતિમાં રહો. હવે, ધીમે ધીમે મૂળ સ્થિતિમાં પાછા આવો. ધ્યાનમાં રાખવાની બાબતો : શ્વસનક્રિયા સામાન્ય રાખવી. ધીમે ધીમે ઊંડા શ્વાસ લેવા. પેટમાં કોઈ ઓપરેશન કે અન્ય પેટની તકલીફવાળા વ્યક્તિઓએ આ આસન ડૉક્ટરની સલાહ પ્રમાણે કરવું. ફાયદા : આ આસનથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે. કબજિયાત મટે છે. પેટમાં વધુ પડતી ચરબી હોય તો તે દૂર થાય છે. મૂત્રપિંડ મજબૂત બને છે. લોહિનું પરિભ્રમણ ઝડપી બને છે. પેટના આંતરિક અવયવોને પુનઃજીવન પ્રાપ્ત થાય છે. અપચો કે ગૅસ જેવી સમસ્યા દૂર થાય છે. પેટના સ્નાયુઓ મજબૂત બને છે. આ આસનથી વજ્રાસનના લાભ પણ મળે છે. આ આસન કરવાથી કરોડને કસરત મળે છે.