હઠયોગ પરંપરાના મહાન યોગી મત્સ્યેન્દ્રનાથના નામ પરથી આ આસનનું નામ આપવામાં આવ્યું છે. યોગી મત્સ્યેન્દ્રનાથે આ આસન વિકસિત કર્યું હતું માટે આ આસનને એમનું નામ આપવામાં આવ્યું છે. પરંપરાપગત મત્સ્યેન્દ્રાસન પ્રમાણમાં અઘરું હોવાથી અર્ધ મત્સ્યેન્દ્રસન કરવામાં આવે છે. મૂળ સ્થિતિ : સીધા પગ રાખી બેસવું. પદ્ધતિ : બંને પગ સીધા લંબાવીને બેસો. હવે, જમણા પગને ઘૂંટણમાંથી વાળી તેની એડી ડાબી બાજુના નિતંબને અડે તે રીતે રાખો. ત્યારબાર ડાબા પગને પણ ઘૂંટણમાંથી વાળીને ઊંચો કરી તેના પગનો પંજો જમણા પગના ઘૂંટણ આગળ સ્થિર કરો. હવે, જમણા હાથની બગલમાં ડાબા પગના ઘૂંટણને દબાવો. જમણા હાથથી ઊભા પગનો અંગૂઠો પકડો. ડાબા હાથને પાછળની તરફ પીઠ પાછળ લઈ જઈ સાથળને પકડવાની કોશિશ કરો. કમરને સીધી રાખો. ગરદનને પાછળ તરફ ઘૂમાવો. દાઢીને ખભા નજીક લાવવા પ્રયત્ન કરો. થોડીવાર આ સ્થિતિમાં રહ્યા પછી મૂળ સ્થિતિમાં પાછા આવો. ધ્યાનમાં રાખવાની બાબતો : શ્વાશોછશ્વાસ સામાન્ય રાખો. મનને કરોડ પર કેન્દ્રિત કરો. બિનજરૂરી તણાવમાંથી મુક્ત રહો. પીઠ કે કરોડમાં ઓપરેશન કરાવ્યું હોય તેમણે કોઈ નિષ્ણાતની સલાહ મુજબ આ આસન કરવું. સગર્ભા સ્ત્રીઓએ આ આસન ન કરવું. ફાયદા : પેટને વ્યાયામ મળે છે. જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે. આ આસનના અભ્યાસથી સૂર્ય અને ચંદ્ર નાડીમાં સંકલન આવે છે. કરોડરજ્જુની નાડીઓમાં મૂળ લોહીને ખેંચે છે. ગરદન અને હાથને આંતરિક મસાજ મળે છે. કરોડ અને પેટના સ્નાયુઓ મજબૂત બને છે. લલીચાપણું મળે છે. આંતરડા મજબૂત બને છે. કબજીયાતની તકલીફમાં રાહત થાય છે.