પ્રોલેપ્સ: ગર્ભાશય ભ્રંશની સમસ્યા ઓપરેશનની ઉતાવળ ન કરવી પ્રસૂતિ પછીના સમયગાળામાં ભારે કામના ઢસરડા, વજન ઊંચકવું વગેરેથી ઢીલી થયેલી માંસપેશીઓ અને સ્નાયુઓ વધુ શિથિલ થતાં પણ ગર્ભાશય ભ્રંશ થાય છે : આયુર્વેદીય ઉપચારથી ગર્ભાશય ભ્રંશની સમસ્યા કાયમી મટાડી શકાય છે ગર્ભાશય ભ્રંશ : ગર્ભાશય પોતાના નિયત સ્થાનેથી ખસી જાય તેને ગર્ભાશય ભ્રંશ - પ્રોલેપ્સ કહે છે. કેટલીક સ્ત્રીઓને નીચે ઉતરી આવેલું ગર્ભાશય યોનિપ્રદેશમાંથી બહાર ધસી આવે છે. આના મુખ્ય કારણોમાં પ્રસવ વખતની ઈજા અને શ્રોણિબંધનો Pelvic Ligaments ઉપરનું ખેંચાણ મુખ્ય છે. 80 to 90 ટકા ભ્રંશ - પ્રોલેપ્સ પ્રસૂતિ દરમિયાન અથવા તો પ્રસૂતિ પછીના સમયગાળા દરમિયાન બંધનો ઢીલા પડવાથી અથવા સ્નાયુઓને ઈજા પહોંચવાથી થાય છે. ડિલિવરીની પહેલી અવસ્થા : First stage of labourમાં ગ્રીવા પૂરેપૂરી ખૂલે એ પહેલાં જો સ્ત્રી જોર કરે તો ભ્રંશ થવાની સંભાવના વધી જાય છે. ફોર્સેપ્સ : બાળકના માથાને ચીપિયા -ફોર્સેપ્સ લગાવીને ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવે તો પણ કેટલીકવાર ભ્રંશ થાય છે. આ ઉપરાંત પ્રસૂતિ પછીના સમયગાળામાં ભારે કામના ઢસરડા, વજન ઊંચકવું વગેરેથી ઢીલી થયેલી માસપેશીઓ અને સ્નાયુઓ વધુ શિથિલ થતાં ગર્ભાશય ભ્રંશ થાય છે. અતિ આરામ : દોઢ - બે મહિનાનો વધુ પડતો આરામ પણ માંસપેશીઓને ઢીલી કરી નાખે છે, માટે પ્રસૂતિ પછીના અઠવાડિયાથી હરવા-ફરવાની પ્રક્રિયા કે હળવી કસરતો ચાલુ કરી દેવી જોઈએ. તેલ માલિશ : તેલ માલિશથી પણ માંસપેશીઓ મજબૂત થઈ શકે છે. આયુર્વેદ: આયુર્વેદ શાસ્ત્રમાં સ્નાઓને માંસધાતુની ઉપધાતુ ગણી છે. માંસધાતુ શિથિલ થવાથી સ્નાઓનાં બંધનો ઢીલાં પડે છે. પરિણામે ઉપર્યુક્ત સમસ્યા ઊભી થાય છે. પ્રસવની સમગ્ર પ્રક્રિયા દરમિયાન અને પ્રસૂતિ પછી વાયુદોષની વૃદ્ધિ થતી હોય છે, જે માંસધાતુને શિથિલ કરે છે. શસ્ત્રક્રિયા - ઓપરેશન : આધુનિક તબીબીશાસ્ત્રના ગર્ભાશય-ભ્રંશનો એક માત્ર ઉપચાર શસ્ત્રક્રિયા છે. જ્યારે આયુર્વેદ વિજ્ઞાન આ સમસ્યાને ઓપરેશન વિના પણ મટાડી શકે છે. ઉપચારક્રમ ધીરજ રાખી આયુર્વેદિક ઉપચાર કરવામાં આવે તો ગર્ભાશય-ભ્રંશની સમસ્યા મટાડી શકાય છે. અશ્વગંધા ક્ષીરપાક : અશ્વગંધાનો પાવડર અડધી ચમચી જેટલો લઈ એક કપ દૂધ અને એક કપ પાણીમાં નાખીને ઉકાળવું. સ્વાદ પ્રમાણે સાકર અને ઈલાયચી નાખીને, એક કપ બાકી રહે ત્યારે ગાળીને રોજ સવારે -સાંજે ખાલી પેટે પીવું. અશ્વગંધાનો સ્નિગ્ધ અને મધુરગુણ વાયુનો નાશ કરે છે. માંસધાતુને પુષ્ટ કરવાનો ગુણ ધરાવે છે. માંસ-ધાતુ પુષ્ટ થતાં સ્નાયુઓ પણ મજબૂત બને છે. અશ્વગંધામાંનો તૂરા રસનો અંશ શિથિલ થયેલાં સ્નાયુબંધનો અને ઢીલી થયેલી માંસપેશીઓને સુદૃઢ કરે છે. ઈરિમેદાદિ તેલ : તેમાં ખદિર, વડની છાલ, નાગર મોથ, જાયફળ, કપૂર, લોધ્ર, ગેરિક, લાખ, ઈલાયચી વગેરે ઔષધો રહેલાં છે. યોનિપ્રદેશની બહાર નીકળતા ગર્ભાશય પર (હાથને સાબુથી સાફ કરીને) ઈરિમેદાદિ તેલ લગાડવું અને પછી હાથથી યોનિમાં દબાવી દેવું અને થોડીવાર સૂઈ રહેવું. આ પ્રમાણે દિવસમાં જરૂર પ્રમાણે 3-4 વાર કરવું. આ પ્રમાણે કરવાથી થોડા સમયમાં ગર્ભાશય બહાર નીકળતું બંધ થઈ જાય છે. પિચુધારણ : ગર્ભાશય બહાર નીકળવું બંધ થયા પછી પણ કોટન પીસ(રૂ)ને એક ચોરસ ચોખ્ખા સુતરાઉ કપડામાં મૂકી, પોટલી બનાવી, દોરો બાંધીને, બાકીને દોરો લાંબો રાખવો. એક પોટલી (પિચુ) ઈરિમેદાદિ તેલમાં પલાળી યોનિના અંદરના ભાગમાં મૂકવી. રાત્રે સૂતી વખતે મૂકવી. સવારે દોરો ખેંચીને પોટલી બહાર ફેંકી દેવી. ઈરિમેદાદિતેલનો મુખ્ય ગુણ પ્રદુષ્ટ થયેલી માંસધાતુને શુદ્ધ કરવાનો છે. ઘણીવાર ગર્ભાશયની અંદર-બહારની બાજુએ ચાંદીઓ પડી જતી હોય છે. ઈરિમેદાદી તેલથી આવી ચાંદીઓ ઝડપથી મટે છે. સફેદ પાણી આવતું બંધ થાય છે. આ ઔષધિ શિથિલ થઈ ગયેલી માંસપેશીઓ અને ઢીલાં પડી ગયેલાં સ્નાયુબંધનોને ફરી સશક્ત કરવાની ક્ષમતા ધરાવે છે. લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્, aarogyatirth@gmail.com