<div id="MiddleColumn_internal" style="text-align: justify; ">ખજૂરની મહત્તા, તેના સ્વાસ્થ્યવર્ધક ગુણો અને તેની શક્તિની જાણ માનવ સભ્યતાને હજારો વર્ષોથી છે. સ્વાદમાં મધ જેવી મીઠી ખજૂરનું મૂળ ઉદ્ભવસ્થાન ઈરાન માનવામાં આવે છે. ઈરાક, સાઉદી અરબ અને ઈજિપ્તમાં પણ ઉત્તમ પ્રકારની ખજૂર પાકે છે. જોકે, હવે તો તેનું ઉત્પાદન ભારત સહિત સમગ્ર મધ્ય એશિયા, નોર્થ આફ્રિકા, સ્પેન, મેક્સિકો અને કેલિફોર્નિયામાં પણ થાય છે.<br /> ખજૂર એ પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે. વળી તે વિટામિન બી અને વિટામિન સી પણ ધરાવે છે, જે સ્કીનને હેલ્ધી અને સુંવાળી બનાવે છે. તેમાં હાડકાંને મજબૂત બનાવતાં ખનિજો, જેવાં કે સેલિનિયમ, મેંગેનીઝ, કોપર અને મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં રહેલાં છે. તે આયર્નનો પણ ઉત્તમ સ્ત્રોત છે. એટલે જ ખજૂર નિયમિતપણે ખાવાથી હાડકાં મજબૂત બને છે અને લોહીમાં રક્તકણોનું પ્રમાણ વધે છે. ખજૂરમાં ગ્લુકોઝ, સુક્રોઝ અને ફ્રૂકટોઝ જેવી કુદરતી શર્કરા પ્રચૂર માત્રામાં છે એટલે બે-ત્રણ ખજૂર ખાવાથી શરીરમાં તરત શક્તિનો સંચાર થાય છે. તેમાં ચરબીનું પ્રમાણ નહીંવત છે એટલે તે ખાવાથી વજન વધવાની ચિંતા રહેતી નથી. રોજ બે-ત્રણ ખજૂર ખાવાથી સ્વાસ્થ્ય સરસ રહે છે.<br /> સ્ત્રોત: ફેમિના, નવગુજરાત સમય</div>